પારડી: પારડી તાલુકાના કલસર ગામમાં સરપંચના નેતૃત્વમાં પોલીસ બંદોબસ્ત સાથે રસ્તા પરના અતિક્રમણો હટાવી રસ્તા પહોળા કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કલસર ગામમાં રસ્તા પરના દબાણોની સમસ્યા લાંબા સમયથી વિકરાળ બની હતી. ગ્રામજનોએ દરેક ગ્રામસભામાં આ મુદ્દે રજૂઆતો કરાતી હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર ગામના મુખ્ય માર્ગો અને આંતરિક રસ્તાઓ પર થયેલા અતિક્રમણોને કારણે વાહન વ્યવહાર તેમજ પ્રજાની અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાતી હતી.આ સમસ્યાના નિરાકરણ માટે સરપંચ મનોજ પટેલે પંચાયતની બેઠકમાં દબાણ હટાવવાનો ઠરાવ પસાર કરાવ્યો હતો.આ ઠરાવને ટીડીઓને મોકલાતા તેમણે આ બાબતે ગંભીરતા પૂર્વક લઇ તપાસ હાથ ધર્યા બાદ ખરેખર રસ્તાઓ પર અતિક્રમણ કરનારાઓને દબાણો દૂર કરવાનો આદેશ આપ્યો હતો.

જેને લઇ સોમવારે કલસર ગ્રામ પંચાયતે પોલીસ બંદોબસ્ત સાથે અતિક્રમણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.જેમાં ટીડીઓ ઉપરાંત વન વિભાગ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ગ્રામજનોના સંપૂર્ણ સમર્થન સાથે બુલડોઝર ફેરવી ગામના મુખ્ય માર્ગો અને આંતરિક રસ્તાઓ પરના દબાણો હટાવીને માર્ગો પહોળા કરવામાં આવ્યા હતા.ગામમાં માત્ર બે-ત્રણ વ્યક્તિને બાદ કરતા મોટાભાગના ગ્રામજનોએ સરપંચને આ કામગીરી આગળ ધપાવવા પ્રોત્સાહિત કર્યા હતા.