નર્મદા: નર્મદા જિલ્લા પોલીસે બે અલગ-અલગ કેસમાં સફળતા મેળવી છે. પ્રથમ કેસમાં ગરુડેશ્વર તાલુકાની સગીરાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે બોટાદથી ઝડપી પાડયો છે. બીજા કેસમાં પ્રોહિબિશનના ગુનાઓમાં એકની અટકાયત કરીને જૂનાગઢ જેલમાં રવાના કર્યો છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ માંકડ આંબાનો યુવાન કલ્પેશ ધીરુ તડવીએ સગીરાને તેના વાલીપણામાંથી અપહરણ કર્યું હતું. આ અંગે કેવડિયા એકતાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી અને સગીરાને બોટાદથી શોધી કાઢયા હતા. બંનેને એકતાનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

બીજા કેસમાં, પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા અશોક કેશરીમલ માલી (રહે. કંબોડિયા, તા.નેત્રંગ, જિ.ભરૂચ)ને પાસા હેઠળ અટકાયત કરી જૂનાગઢ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી બાદ એલસીબી ટીમે આ કાર્યવાહી કરી હતી. બન્ને ગુનાઓમાં પોલીસે આરોપીઓને જેતે પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.