સુરત: ઓટીટી પ્લેટફોર્મ પર આવેલી ફર્જી વેબ સિરિઝ તો તમે જોઈ જ હશે, જેમાં નકલી નોટોના ધંધાનો વિષય મુખ્ય બાબત છે. જેમાં બતાવાયું છે કે એક શખ્સ એવી પરફેક્ટ નોટ બનાવે છે જે ભારતીય ઈકોનોમીને મોટું નુકસાન પહોંચાડી જાય છે. આવી જ કેટલીક પરફેક્ટ જેવી દેખાતી પણ નકલી નોટો સુરત પોલીસની મહામહેનતે પકડાઈ ગઈ છે. સુરતના પુણા શાકભાજી માર્કેટમાં પોલીસે નકલી નોટો વટાવતા બે આરોપીઓને પકડયા છે. SOGની ટીમે રૂ. 500ની કુલ 9,000 રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે. પકડાયેલા આરોપીઓમાં વિજય નરશીભાઈ ચૌહાણ (27) અને સુરેશભાઈ ઉર્ફે ગુરૂજી લાઠીદડીયા (55)નો સમાવેશ થાય છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર આ કેસમાં એક મહત્વપૂર્ણ આરોપી તાહીર ઉર્ફે કાલી (રઈજુદ્દીન શેખ) હજુ ફરાર છે. તે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં રહે છે. પકડાયેલા આરોપી સુરેશ પર NIAના ત્રણ કેસ નોંધાયેલા છે. તેમ છતાં તે નકલી ચલણનો ધંધો ચાલુ રાખતો હતો.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ રેકેટ બાંગ્લાદેશ બોર્ડર નજીકના માલદા વિસ્તાર સાથે જોડાયેલું છે. આરોપીઓ સાચી નોટોના બદલામાં નકલી નોટો આપતા હતા.
આ માટે 1 લાખના બદલામાં તાહીર તેમને 3 લાખ રૂપિયા આપતો હતો. આમ આરોપીઓ 2 લાખ રૂપિયા આપીને 6 લાખની નકલી નોટો લાવ્યા હતા. મળી આવેલી નકલી નોટોમાં થ્રેડ પણ છે અને જોવામાં તે એકદમ અસલી નોટો જેવી જ લાગતી હતી. પોલીસે કુલ રૂ. 1,25,330નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ નકલી નોટો ચલાવવા માટે ખાસ ગેંગ બનાવી હતી. આ કાવતરું ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે રચાયેલું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં પોલીસે બંને આરોપીઓને ઝડપીને આગળની તપાસ શરૂ કરી છે.

