વલસાડ: વલસાડના કુંડી ઓવરબ્રિજ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઈવે 48 પર મુંબઈથી સુરત તરફ જતા ત્રીજા ટ્રેક પર આ દુર્ઘટના બની હતી. અશોક લેલેન્ડ કંપનીના ટ્રક (નંબર GJ-32-T-4029)એ પૂરપાટ ઝડપે અને બેદરકારીથી થર્ડ લેનમાં સાયકલ ચલાવતા ગમનભાઈને ટક્કર મારી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર અકસ્માતની તીવ્રતા એટલી હતી કે ગમનભાઈ કુંડી ઓવરબ્રિજ પરથી નીચે સર્વિસ રોડ પર પટકાયા હતા. ગમનભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેમનો જમણો હાથ કોણીના ભાગેથી તૂટી ગયો હતો. શરીરે અન્ય નાની-મોટી ઈજાઓ પણ થઈ હતી. ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. સ્થાનિક લોકો અને રાહદારીઓ તરત જ મદદે દોડી આવ્યા હતા.
તેમણે ડુંગરી પોલીસ અને 108ને જાણ કરી હતી. સાથે જ ગમનભાઈના પરિવારને પણ બોલાવ્યા હતા. ગમનભાઈના ભાઈ, ભાભી કલ્પનાબેન, ભાણેજ ધર્મેશભાઈ અને મોટી બહેન ગીતાબેન ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતદેહને પ્રાઈવેટ એમ્બ્યુલન્સમાં ડુંગરી CHC હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનોએ મૃતદેહની ઓળખ કરી હતી. હાલ પરિવારજનોએ ડુંગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

