ભરૂચ: ભરૂચ જિલ્લાના વાલિયામાં પ્રેમપ્રકરણમાં યુવતીએ એસિડ ગટગટાવી આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સ્યુસાઈડ નોટના આધારે પોલીસે મૃતકના પ્રેમી સહિત 2 જણા વિરુદ્ધ દુષ્પ્રરણાનો ગુનો નોંધ્યો છે.હકીકતમાં ગત 27 માર્ચના રોજ વાલિયા તાલુકાના વડ ફળિયામાં રહેતી અંજના વસાવા (22) પોતાના ઘરે હતા. આ દરમિયાન મોડી રાતે 10 વાગ્યાની આસપાસ અંજનાના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો હતો.
Decision News ને મળેલી માહિતી અનુસાર તેણીએ ફોન પર વાતચીત કર્યા બાદ એસિડ પી લીધુ હતુ. જેના પગલે યુવતીની તબિયત અચાનક લથડી હતી અને ઉલટી થવા સાથે ગભરામણ થતાં તેણી બૂમાબૂમ કરવા લાગી હતી.યુવતીની બૂમો સાંભળીને દોડી આવેલા પરિવારજનો તાત્કાલિક તેને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં બીજા દિવસે હોસ્પિટલના બિછાને યુવતીએ દમ તોડયો હતો. આ કેસની તપાસ કરી રહેલી પોલીસને યુવતીના રૂમમાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી.
જેમાં કદવાલી ગામના અવિનાશ વસાવા અને પ્રેમી નરેશ નામનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં અવિનાશે મૃતકના માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપી હોવાનું લખાણ લખ્યું છે. જ્યારે પ્રેમી નરેશે યુવતીને છોડી દેવાનું જણાવીને તું મરી કેમ નથી જતી તેમ કહ્યું હતુ. આ બાબતનું લાગી આવતા યુવતીએ અંતિમ પગલું ભર્યું હતુ. હાલ તો પોલીસે મૃતકની અંતિમ ચિઠ્ઠીના આધારે પ્રેમી નરેશ અને અવિનાશ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

