વાંસદા: વાંસદા તાલુકાના પીપલખેડમાં આવેલ એલ.આર. કોન્ટ્રાક્ટર વિદ્યાલય સામે પરીક્ષા આપવા આવેલ બે વિદ્યાર્થીને અકસ્માત નડયો હતો. ગિરિજન માધ્યમિક શાળાના બે વિદ્યાર્થી દિવ્યેશભાઈ જયંતિભાઈ પવાર (ઉ.વ.17, કોલબારી ફળિયું, બેડમાળ, તા. વાંસદા) અને અવિનાશ નરોત્તમ ચવધરી (ઉ.વ.17. બદીનામાળ ફળિયું, મોળાઆંબા, તા. વાંસદા) મિત્રો હોવાથી સાથે ધોરણ-12 બોર્ડનું સંસ્કૃત વિષયની પરીક્ષા આપવા બાઇક પર નીકળ્યા હતા.
Decision News ને મળેલી માહિતી અનુસાર તેમનું પરીક્ષા કેન્દ્ર પીપલખેડ એલ.આર. કોન્ટ્રાક્ટર વિદ્યાલય હતું અને ત્યાં શાળા ગેટ પાસે જ ફોર વ્હિલર સાથે તેમનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં દિવ્યેશભાઈ પવારના ડાબા હાથના કાંડાના સાંધા પાસે ફ્રેક્ચર થયું હતું અને ચહેરા પર ઇજા થઇ હતી.
જ્યારે અવિનાશ ચવધરીને ડાબા હાથ અને પગ પાસે ઈજા થવાથી વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર આપી પરીક્ષા આપવા ફરીથી સમયસર પરીક્ષા કેન્દ્ર ઉપર સગાવાળા લઈ ગયા હતા. જ્યારે દિવ્યેશભાઈ પવારને કોટેજ હોસ્પિટલમાં દાખલ કરી આગળની વધુ સારવાર ચાલુ કરવામાં આવી હતી.

