ડેડીયાપાડા: સમગ્ર ગુજરાતના આદિવાસી વિસ્તારમાં હોળી અને ધૂળેટીનો તહેવારની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી થઈ છે ત્યારે આદિવાસી સમાજના કણીકંસરી કુળદેવી યાહા મોગી માતાના દેવમોગરા મંદિર પ્રાંગણમાં પ્રથમવાર ભવ્ય હોળી ઢોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું.
મોગરામાંઈ ટ્રસ્ટ અને દેવમોગરા ગામ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આદિવાસી કલા-સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં આવ્યું. સાગબારા તથા ડેડિયાપાડા વિસ્તારના વિવિધ ગામોમાંથી 50થી વધુ ઢોલ વાદકોએ સ્પર્ધામાં ભાગ લીધો. આ સિવાય પરંપરાગત ઘેરૈયા અને મહિલાઓએ હોળીના ગીતોની કંક્ય સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો.
નોકરી કે ધંધા માટે બહાર રહેતા આદિવાસીઓ હોળી ઉત્સવ માટે વતન આવતા હોય છે ત્યારે પુરુષો સવા મહિના સુધી ‘પાલની’ (કઠોર તપસ્યા) કરે છે. જ્યારે ઘણા પુરુષો મહિલા વેશમાં શક્તિની આરાધના કરે છે, જેમને ગોસાંઈ કે ઘેરૈયા કહેવાય છે. આ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને કુલ 75 હજાર રૂપિયાના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા. કાર્યક્રમની શરૂઆત કૂળદેવી પાંડોરી માતાના મંદિરેથી કરવામાં આવી હતી.

