ગુજરાત: હાલમાં ગુજરાતમાં મિશનરી(ખ્રિસ્તી ધર્મ સંચાલિત) શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે, આ સિવાય ભાષા અથવા ધર્મના આધાર પર જેમનો સમાવેશ લઘુમતીમાં થાય છે, એ તમામ દ્વારા રાજ્યભરમાં હજારો શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે. આ બધી જ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર વચ્ચે 3 વર્ષથી ચાલતાં એક કાનૂની જંગમાં વડી અદાલતનો ચુકાદો સરકારની તરફેણમાં રહ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વર્ષ 2021માં સરકારે કાયદામાં એવો સુધારો કરેલો કે, જે શૈક્ષણિક સંસ્થાઓ ‘લઘુમતી’ તરીકે વર્ગીકૃત થયેલી છે, તે સંસ્થાઓમાં સરકાર સ્ટાફની નિમણૂક માટે નિયમો બનાવી શકે. સરકારે કાયદામાં કરેલાં આ સુધારાને, આ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વડી અદાલતમાં પડકારવામાં આવ્યો હતો. જેમાં સરકાર પક્ષનો વિજય થયો છે અને અરજદાર લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓની બધી જ અરજીઓ એકસાથે ડિસમિસ કરી નાખવામાં આવે.
લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ ઘણાં વર્ષોથી પોતાની સંસ્થાઓમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની ભરતીઓમાં ઘરની ધોરાજી ચલાવે છે. એ માટે સરકારમાં કોઈ નિયમો જ ન હતાં, જે સામાન્ય કાયદો છે, તેનું પાલન સ્થાનિક સ્તરે અલગ અલગ કારણોસર યોગ્ય રીતે થતું નથી, એવી ફરિયાદો વારંવાર ઉઠી રહી હતી. જે અનુસંધાને સરકારે 2021માં, કાયદામાં ઉપરોકત સુધારો દાખલ કરેલો. જે હવે અમલી બની શકશે. જો કે એક શકયતા એ પણ છે કે, લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ વડી અદાલતના આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારી શકે છે. કારણ કે, આ સંસ્થાઓ કાયદાના સુધારા બાદ એવું ફીલ કરે છે કે, આ સુધારો લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓના બંધારણીય અધિકાર પર તરાપ સમાન છે.











