ડેડીયાપાડા-સાગબારા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું કે, હાલ ભરૂચના સાંસદ મનસુખભાઈની વાત સાથે સહમત છું કે નેતાઓને જનતાની સેવાને બદલે કોન્ટ્રાક્ટના કામોમાં વધુ રસ છે. પરંતુ મનસુખભાઈને કહેવા માંગીશ કે ગુજરાતમાં તમારી સરકાર છે અને તમે સાંસદ છો તો કયા નેતાઓ કોન્ટ્રાક્ટના કામોમાં રસ ધરાવે છે તેમને ખુલ્લા પાડો. અમે 23 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી અને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને જણાવ્યું હતું કે બહારની એજન્સીઓ મટીરીયલ પૂરું પાડવાના નામે ભ્રષ્ટાચારો કરે છે. હાલમાં મનસુખભાઈ જે પત્ર લખ્યો છે તેના માટે હું તેમને અભિનંદન પાઠવું છું.
હું મનસુખભાઈને કહેવા માંગીશ કે તમારા સંગઠનના લોકો ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તો એ લોકોને ખુલ્લા પાડવામાં આવે એવી મારી મનસુખભાઈને વિનંતી છે. આજે અમારા ડેડીયાપાડા વિસ્તારના સરપંચોએ આવેદનપત્ર આપ્યું અને તેમણે જણાવ્યું કે તેઓને બહારની એજન્સીઓ નથી જોઈતી અને જાતે જ ગ્રામ પંચાયતોને અમલીકરણ કરાવીને, જાતે કામ કરી શકીએ છીએ. તો પછી શા માટે ગ્રામ પંચાયતને કામ આપવામાં આવતું નથી. કોણ બહારની એજન્સીઓને લાગી રહ્યું છે? શું ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ એજન્સીઓ લાવે છે?
મેં તંત્ર સમક્ષ એક સવાલ કર્યો હતો કે ગયા વખતે ડેડીયાપાડામાં 22 કરોડના બિલો બી એમ પટેલ નામની એજન્સીને ચૂકવવામાં આવ્યા. તો એ બીલો કોને વાઉચરના આધારે અને ક્યાંથી મટીરીયલ નાખ્યું, તેનું રોયલ્ટી અને જીએસટી બિલ ક્યાં છે, એ અમારો સવાલ છે. અમારો સવાલ એ પણ છે કે બિલો વગર 22 કરોડનું પેમેન્ટ કઈ રીતે થયું? પોતાની સરકારમાં સાંસદની વાત જો કોઈ માનતું ન હોય તો તમે વિચારી શકો છો કે કઈ હદે અધિકારી રાજ ચાલી રહ્યું છે અને કયાં નેતાઓ દ્વારા આટલા મોટા કૌભાંડો થઈ રહ્યા છે. આ મુદ્દા પર અમે આવનારા દિવસોમાં મોટું આંદોલન પણ કરીશું.
અમે બહારની એજન્સીઓને ચલાવી દેવામાં આવશે નહીં, જો ડેડીયાપાડા અને સાગબારાની કોઈ લોકલને એજન્સી હશે તો અમે તેને કામ કરવા દઈશું. પરંતુ બહારના કોઈપણ એજન્સીના માણસને હું કામ કરવા દઈશ નહીં, આ મારી ચેતવણી છે. અને જે પણ નેતાઓ હશે, ભલે મિનિસ્ટર હોય કે સાંસદ હોય કે કેન્દ્રના કોઈ મોટા નેતા હોય તેમની સાથે અમે લડી લઈશું, પરંતુ બહારના એક પણ વ્યક્તિને બોગસ બીલો મૂકીને ભ્રષ્ટાચાર કરવા દઈશું નહીં.