ડાંગ: સુબીર તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગ્રુપ ગ્રામ પંચાયતમાં 14 નવેમ્બરનાં રોજ સભાનું આયોજન થયું હતું જેમાં પ્રશ્નોનો નિકાલ ન થતા ગ્રામ સભા ગ્રામજનો મારામારીના દ્રશ્યો સર્જાયા હતા અને બાદમાં ગ્રામસભા બરખાસ્ત કરવાની નોબત આવી ગઈ હતી.

સુબિર તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગ્રુપ ગ્રામ પંચાયત ગારખડી ખાતે તાલુકા લાયઝન અધિકારી મંયકભાઈ, બી.આર. એસ. ભુપેન્દ્રભાઈ તથા તલાટી કમ મંત્રી નારાયણભાઈ ઠાકરેની ઉપસ્થિતમાં ગત 14 નવેમ્બરે ગ્રામસભાનું આયોજન થયું. ગ્રામ સભામાં હાજર ગારખડી ગ્રુપ ગ્રામ પંચાયતના માજી સરપંચ બાલુભાઈ વળવીએ મુદ્દો ટાંકતા જણાવ્યું હતુ કે, ગ્રુપ ગ્રામ પંચાયતનું મકાન વર્ષ 2022-23માં મનરેગા યોજના અંતર્ગત મંજૂર થયુ હતુ. જે ગ્રામ પંચાયતનું મકાન આજદિન સુધી કેમ પૂર્ણ કરવામાં આવ્યું નથી. તેમજ વર્ષ 2022-23માં ધારાસભ્ય ફંડમાંથી મળેલા પાણીનાં ટેન્કરનો આજદિન સુધી હિસાબ મળ્યો નથી. જે પ્રશ્નો રજૂ કરતાં ગ્રામ સભા ઉગ્ર અને તોફાની બની હતી. માજી સરપંચ દ્વારા રજૂ કરાયેલા બે પ્રશ્નોને લઈને તાલુકા પંચાયતનાં સદસ્યનાં પ્રતિનિધિ ઈશારામભાઈ રાજ્યાભાઈ બહીરમ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા.અને ગ્રામસભામાં અધિકારીઓની ઉપસ્થિતમાં જ આ પ્રતિનિધિએ માજી સરપંચ સાથે ખુલ્લા હાથ વડે મારામારી થઇ ગઈ હતી.

અધિકારીઓની ઉપસ્થિતમાં જ બે આગેવાનો વચ્ચે મારામારી થઇ હતી. બાદ તલાટીએ ટીડીઓ સુબિરને રિપોર્ટ રજૂ કર્યો હતો. ત્યારે સવાલનું નિરાકરણ થાય તે હેતુથી તા.18/11/2024ના રોજ સવારે 11 કલાકે ગ્રુપ ગ્રામ પંચાયત કચેરી ગારખડી ખાતે ખાસ ગ્રામસભાનું આયોજન થયું છે.