ભરૂચ: ગતરાત્રે ભરૂચના પાદરીયા ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા ધોધમાર વરસાદમાં વીજળી પડતા 3 લોકોના મોત અને હાંસોટમાં પણ વીજળી પડતા એક વ્યક્તિનું મોત નિપજયાની ઘટના પ્રકાશમાં આવતા જ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
Decision news ને મળેલી જાણકારી પ્રમાણે સમી સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે ભરૂચ તાલુકાના પાદરીયા ગામ નજીક વરસાદથી બચવા ઝાડ નીચે ઉભેલા 7 જેટલા યુવાનો પર વીજળી પડી હતી.જેમાં 3 યુવાનના મોત, જ્યારે 2 દાઝી જતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્રણ મૃતકોમાં બે ચોરંદા ગામના અને એક કરણ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
હાંસોટ તાલુકાના અંભેટા ગામ નજીકથી પસાર થઈ રહેલા માછીમારો પર વીજળી પડી હતી જેમાં હાસોટની નવીનગરીમાં રહેતા 28 વર્ષીય સુનીલ વસાવાનું મોત નીપજ્યું હતું. અન્ય માછીમારો દાઝી જતા તેઓને ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.