દાહોદ: દાહોદમાં હત્યારા આચાર્યને ફાંસીની લોક માંગ ઉઠી રહી છે. ત્યારે દાહોદમાં છ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં કરી હત્યા કરનાર આચાર્યને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે નવસારી જિલ્લા યુવક કોંગ્રેસે આવેદન પત્ર પાઠવ્યું હતું
Decision News ને મળેલી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષીય બાળકીને 9મી સપ્ટેમ્બર 2024ના રોજ શાળાના આચાર્ય દ્વારા પોતાની કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા બાદ બાળકીનું મોઢું દબાવી શ્વાસ રૂધી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટના સામે આવી છે. જેમાં છ વર્ષની બાળકી સાથે નિર્દયતા પૂર્વક અડપલાં કર્યા બાદ તેની હત્યા કરનાર આચાર્યને કડકમાં કડક કાર્યવાહી સાથેની સજા આપવામાં આવે તેવી માંગ કરતું આવેદન પત્ર નવસારી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરને આપ્યું હતું.
શિક્ષણ જગતને લજાવે તેવી આ ઘટના રાજ્યમાં બની છે. જેથી આવા નરાધમ આચાર્યને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી હાથ ધરી અમાનવીય ગુનો આચરનાર આરોપી ગોવિંદ નટને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે. નવસારી જિલ્લાના યુવા કોંગ્રેસ પ્રમુખ જય પટેલ સહિત કોંગ્રેસના યુવા કાર્યકરો દ્વારા આજે કચેરી પર પહોંચી કલેકટર ક્ષીપ્રા આગ્રેને પોતાની રજૂઆત રાજ્ય સરકાર સુધી પહોંચાડતું આવેદનપત્ર આપ્યું હતું.