ડોલવણ: તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી ડોલવણ (સરકારી ગ્રાઉન્ડ) ખાતે આજરોજ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ધારાસભ્યશ્રી મોહનભાઈ કોકણી, કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ, નાયબ વન સંરક્ષક શ્રી પુનિત નૈયર,જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ પટેલ,આદિજાતિ વિભાગના ઉપ સચિવશ્રી જયદેવસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

વિશ્વ આદિવાસી દિવસની ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ તમામ આદિવાસી ભાઈઓ-બહેનોને સંબોધતા જણાવ્યું હતું કે ભારતનો ભૂતકાળ હોય કે વર્તમાન, આદિવાસી સમાજ સિવાય ક્યારેય પૂર્ણ ના થઈ શકે.દાતા થી લઈ ડાંગ સુધી આદિવાસી સમાજે સંસ્કૃતિને ધબકતી રાખી છે. આદિવાસી સમાજનો ગૌરવપૂર્ણ ઈતિહાસ છે. દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજની સાથે રહીને પરિવારનો વિકાસ થાય એ વિઝન રાખીને યોજનાઓ બનાવી છે. આજે ગુજરાતના ખૂણે ખૂણે યોજનાઓ પહોંચી છે. આયુષમાન યોજના થકી આરોગ્યની સારવાર મફતમાં થઈ જાય. જેની ચિંતા મુખ્યમંત્રીશ્રીએ કરી છે. છેવાડાના ગામોમાં નેટવર્કની સમસ્યા આવે છે. જેના માટે ટૂંક સમયમાં નાગરિકોને કેન્દ્રમાં રાખીને ટાવર લોન્ચીંગ થનાર છે.

ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ સૌ આદિવાસી ભાઈઓ-બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડા, આદિવાસી સમાજે આઝાદીમાં યોગદાન આપ્યું છે. તે વખતના ઘણાં બધા નાયકોએ પોતાના બલિદાન આપ્યા છે. વેગડા ભીલે શહીદી વહોરી હતી,પૂંજા ભીલ જેવા અનેક નાયકોએ માનગઢમાં અંગ્રેજો સામેની લડાઈમાં ૧૫૦૦ નાયકોએ શહીદી વહોરી હતી. આજે ડોલવણના કોટલાભાઈ મહેતાભાઈ ચૌધરીને યાદ કરવા પડે સમગ્ર ભારતદેશમાં ગણોતધારા અંગે આંદોલન છેડ્યું અને વડોદરા કૂચ કરી ગાયકવાડ રાજ દરમિયાન તેમણે યુવાનોને સાચી દિશા આપી અને આદિવાસી સમાજ માટે મોટુ કામ કર્યું.

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં શાળા, કોલેજના વિદ્યાર્થીઓ અને વિવિધ આદિવાસી સમાજના લોકોએ પારંપારિક નૃત્યો રજુ કર્યા હતા.આદિવાસી સમાજના વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ, કલાકારો અને રમતવીરોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.