સુરતના ઉધના વિસ્તારમાંથી 8 વર્ષનું બાળક ગુમ થયું હતું. પરિવાર અને પોલીસ તેને શોધી રહ્યા હતા. 8 વર્ષનું બાળક ક્યાં જઈ શકે તેની કોઈને ખબર નહોતી. પરંતુ ઉધનાં પોલીસે જ્યારે CCTV ફૂટેજ તપાસ્યા તો ચોંકાવનારો ખુલાસો થયો હતો. સુરતના ઉધના વિસ્તારમાંથી યુસુફ (નામ બદલ્યું છે) ગુમ થઈ ગયો હતો અને એકલો રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. આટલું જ નહીં તે રેલવે સ્ટેશનની અંદર ગયો અને ટ્રેનમાં ચડી ગયો હતો. જ્યારે પોલીસે તેની તપાસ કરી તો ખબર પડી કે, તે નંદુરબાર જતી ટ્રેનમાં બેઠો હતો. આ અંગે સુરત પોલીસે તાત્કાલિક નંદુરબાર રેલવે પોલીસને જાણ કરી હતી. યુસુફ આખરે ટ્રેનમાંથી સુરક્ષિત મળી આવ્યો હતો. યુસુફ રમતા રમતા ઉધનાથી 170 કિલોમીટર દૂર એકલો નંદુરબાર પહોંચી ગયો હતો. જો કે, સહી સલામત મળી આવતા સુરત ઉધના પોલીસે તેના માતા-પિતાનું પણ કાઉન્સેલિંગ કર્યું હતું.
સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરી હતી
પોતાના બાળકને લઈ વાલીઓ કેટલા સતર્ક રહેવાની જરૂર છે તેનો એક દાખલો સુરત શહેરના ઉધના વિસ્તારમાં બન્યો છે. ઉધના વિસ્તારમાંથી 8 જુલાઈના રોજ 8 વર્ષનો યુસુફ ગુમ થઈ ગયો હતો. તેના પિતા ઉધના વિસ્તારમાં આવેલા સિલાઈ મશીનના ખાતા પર તેને સાથે લઈને ગયા હતા. ત્યાં રમતા રમતા આશરે બપોરે 12:30 વાગ્યે તે કોઈને પણ કંઈક કહ્યા વગર ક્યાંક ચાલી ગયો હતો. જે અંગે ઉધના પોલીસને જાણકારી મળતા બાળકની શોધખોળ માટે પોલીસે ચાર ટીમ બનાવી હતી. સાથે સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરી હતી.
પિતાના મશીન ખાતાથી પુત્ર રેલવે સ્ટેશન એકલો પહોંચ્યો
સીસીટીવીમાં યુસુફ રેલવે સ્ટેશન પર જોવા મળ્યો હતો. ખાતાથી ઉધના રેલવે સ્ટેશન સુધી બાળક એકલો પહોંચ્યો હતો. ત્યાર પછી બાળક રેલવે સ્ટેશનની અંદર ગયો અને ત્યાંથી ટ્રેનમાં બેસી ગયો. ટ્રેનની તપાસ હાથ ધરતા પોલીસને જાણ થઈ હતી કે, તે નંદુરબાર જતી ટ્રેનમાં બેસી ગયો છે. જેથી તાત્કાલિક એ નંદુરબાર રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. ટ્રેન નંદુરબાર પહોંચે તે પહેલા જ પોલીસ રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી અને બાળકને સુરક્ષિત ટ્રેનથી ઉતારી લેવામાં આવ્યો હતો અને સુરત પોલીસને સોંપવામાં આવ્યો હતો. યુસુફ 170 કિલોમીટર એકલો નંદુરબાર સુધી પહોંચી ગયો હતો.
પિતાએ પુત્રની શોધખોળ કરી પણ મળ્યો નહીં
આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, સિલાઈ મશીનનું ખાતું હતું ત્યાં પોતાનો પુત્રને લઈને એક ભાઈ આવ્યા હતા. જે રમતા રમતા ખાતા પરથી નીકળી ગયો હતો. ત્યારે પિતાએ પુત્રની શોધખોળ કરી હતી પરંતુ મળી ન આવતા તુરંત જ પોલીસને સંપર્ક કર્યો હતો. પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ તુરંત ચાર ટીમો બનાવી હતી. નજીકના લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. સાથે સાથે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતા. સીસીટીવીમાં ખબર પડી કે, બાળક રેલવે સ્ટેશન બાજુ છે.