નવસારી: આમ આદમી પાર્ટી નવસારી દ્વારા ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત પુરી કરવા બાબતે તેમજ અન્ય તમામ અન્ય આવશયક સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરવા બાબતે નવસારી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

AAP ના નવસારી જિલ્લા પ્રમુખ પંકજ પટેલ જણાવે છે કે શિક્ષણ સુધારણા માટે સતત ચિંતા કરતી અને સંઘર્ષ કરતી અમારી આમ આદમી પાર્ટીએ આ મુદ્દે અનેક વખત આપશ્રીને રજૂઆતો કરી છે પણ આ મુદ્દે હજુ સુધી કોઈ સુધારાઓ કરવામાં આવેલ નથી. ગુજરાતની 1606 સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે.પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીની સરકારી શાળાઓમાં મળીને કુલ 32000 થી વધુ શિક્ષકોની અને 38000થી વધુ ઓરડાઓની અછત છે. 14,652 શાળાઓમાં એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. રાજ્યની અંદાજે 38000 સરકારી શાળાઓમાંથી 5612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ/બંધ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં 2574 જેટલી સરકારી શાળાઓ જર્જરીત ઓરડા ધરાવે છે, જ્યારે 7599 સરકારી શાળાઓમાં હજુ પણ પતરાની છત નીચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરે છે.તાજેતરમાં જ સામે આવ્યું હતું કે ધોરણ 8 પછી અંદાજે 1.14 લાખ બાળકોએ ભણવાનું છોડી દીધું હતું એટલે કે માધ્યમિકમાં પ્રવેશ લીધો નહોતો. ટેટ-1 પાસ 39395 એને ટેટ-2 પાસ 235956 ઉમેદવારો છે. એ ઉપરાંત માધ્યમિકમાં ટાટ 75328, માધ્યમિક દ્વિસ્તરીય ટાટ 28307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15253 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. આમ કુલ 3.83 લાખથી વધુ ઉમેદવારોએ શિક્ષક બનવા યોગ્ય પરીક્ષાઓ પસાર કરી છે. જેની તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે એવી અમારી માંગ છે.