વલસાડ: નંદાવલા ગામમાં શિવપૂજા રો- હાઉસ સોસાયટીના ઘર નં. ૧૨૨માં રહેતા દગડુ રઘુનાથ પવાર (ઉ.વ. ૫૨, મૂળ રહે. વેલાણા ગામ, તા.જિ. ધુલિયા, મહારાષ્ટ્ર) ની 21 વર્ષીય દીકરી પ્રિયંકા પવાર રાબેતા મુજબ તા. 25 મે 2024ના રોજ પણ બપોરે બે વાગ્યે ગુંદલાવના દયાલનગર ખાતે આવેલા રૂબી બ્યુટી પાર્લરમાં કામ શીખવા માટે ગઈ હતી.

DECISION NEWS ને પ્રાપ્ત થયેલ માહિતી મુજબ નિત્ય ક્રમ મુજબ પ્રિયંકા સાંજે સાડા પાંચ વાગ્યે છુટીને ઘરે આવી જતી હોય છે પણ આ દિવસે મોડી સાંજ સુધી ઘરે પરત ફરી ન હતી. તેનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતો હતો. જેથી પરિવાજનોએ રૂબી બ્યુટી પાર્લરમાં ફોન કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, પ્રિયંકા પાર્લરમાં આવીને બપોરે ૩ વાગ્યે ઘરે જવાનું કહી રજા લઈને નીકળી ગઈ હતી. બાદમાં પરિવારજનોએ આજુ બાજુ તેમજ સગા સંબંધીઓને ત્યાં પણ તપાસ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી ન હતી.

જેથી પિતા દગડુ પવારે વલસાડ રૂરલ પોલીસ મથકે જાણ કરી હતી. ગુમ થનાર પ્રિયંકા ધો. ૧૨ સુધી ભણેલી છે. જે શરીરે મધ્યમ બાંધો, ઘઉંવર્ણ અને પાંચ ફૂટ ઉંચાઈ ધરાવે છે. જે ગુજરાતી, મરાઠી અને હિન્દી ભાષા જાણે છે. જેણે ગ્રે કલરની ટી શર્ટ તથા કાળા કલરનો પેન્ટ પહેર્યો હતો. જે કોઈને પણ તેની ભાળ મળે તો વલસાડ રૂરલ પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.