તિલકવાડા: ‘મોબાઈલ જ જોયા કરશે તો આંખો ખરાબ થઇ જશે તારી‘ માં દ્વારા આવો ઠપકો પોતાની દીકરીને આપતાં 17 વર્ષની દીકરીએ ઘાસ મારવાની દવા ગટગટાવી પોતાની જિંદગી ટુકાવી લીધી હોવાનો કિસ્સો નર્મદાના તિલકવાડા તાલુકામાંથી સામે આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ તિલકવાડા તાલુકાના ધાણીખોડ ગામમાં રહેતી 17 વર્ષની અનિતા તડવી ગતરોજ મોડી સાંજે ઘરમાં પડેલી ઘાસ મારવાની ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારે તાત્કાલિક ધોરણે એને સારવાર માટે ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી અને પછી વધુ બહેતર સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પણ ત્યાં તેનું સારવાર દરમિયાન જ મોત થઇ ગયું હતું.
મૃતકના પિતા ઉકેડ મનસુખ તડવી દ્વારા આ ઘટનાની જાણ તિલકવાડા પોલીસને કરાઈ હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ અનિતા ઉકેડ તડવી વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરતી હતી જેને લઈને માતાએ વધુ મોબાઈલ નહીં જોવા તારી આંખો ખરાબ થઈ જશે તેવો ઠપકો આપ્યો અને અનિતાને આ વેણનું માઠું લાગી આવતાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો.

