વાંસદા: ગતરોજ વાંસદા તાલુકામાં ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને વાંચેલું યાદ ન રહેતા આપઘાત નો પ્રયાસ કર્યો હતો. જોકે વાંસદા પોલીસે તાત્કાલિક ધોરણે પોતાની સમય સૂચકતા નો ઉપયોગ કરીને વિદ્યાર્થીની ને બચાવી લીધી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા પોલીસ સ્ટેશનના લેન્ડ લાઈન ફોન પર એક મોબાઈલ નંબર પર એક કિશોરીનો ફોન આવ્યો હતો અને તેણીએ ફરજ પરના પી.એસ.ઓ.ને ફોન પર જણાવેલ કે, “હું જે તે ગામમાં રહુ છું અને મારે ધોરણ-૧૦ ની પરીક્ષા આપવાની છે પણ મને છેલ્લા ઘણા દિવસોથી વાંચેલુ કઈ યાદ રહેતું નથી અને હું વાંચેલુ બધુ જ ભુલી જાવ છું. જેથી હું ખુબ જ નાસીપાસ થઈ ગયેલ છું અને હું અત્યારે મારા ઘરે આત્મહત્યા કરવાની છું.” તેમ જણાવી પોતાનું નામ પુછવા છતા જણાવેલ નહી અને ફોન કટ કરી દિધો હતો. ત્યારે ફરજ પરના મહિલા પી.એસ.ઓ.એ ફોન કોલ ની ગંભીરતાને ધ્યાને લઈને જે તે ગામ જવા માટે વિચાર્યું હતું પરંતુ તે ગામ પહોંચતા 20 થી 30 મિનિટ જેટલો સમય લાગે તેમ હતું.જેથી પોલીસ સ્ટાફનાં માણસોએ તાત્કાલિક ધોરણે તે ગામના જીઆરડી જવાનનો સંપર્ક કર્યો હતો.તેમજ મોબાઈલ ફોન કોલની વિગતથી વાકેફ કરી મોબાઈલ ફોન નંબર બાબતે જરૂરી ખાત્રી કરી તાત્કાલીક ફોન કોલ ધારક કિશોરીના ઘરે પહોચી જવા માટે જી.આર. ડી. જવાન ને સમજ કરવામાં આવી હતી.

જે બાદ જી.આર.ડી જવાની ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ગામના મહિલા સરપંચના પતિ GRD જવાને પણ મેસેજની ગંભીરતા સમજી તાત્કાલીક ગામના મહિલા સરપંચના પતિ સાથે તાત્કાલીક કિશોરીના ઘરે પહોચી ગયા હતા. ત્યારે કિશોરી ઘરમાં ઉપરના માળે રૂમમાં હોવાનું જણાયું હતું. જેથી જી. આર. ડી.એ તાત્કાલીક પગથીયા ચડી ઉપર જોતા રૂમનો દરવાજો અંદરથી બંધ હતો અને દરવાજો ખખડાવવા છતા અંદરથી કોઇ પ્રત્યુત્તર આવતો ન હતી.જે બાદ જી.આર. ડી. જવાન એપળભરનો વિલંબ કર્યા વગર ત્યાં લટકતા સળીયા વડે રૂમની બાલકનીમાં કુદી જઈ રૂમની અંદર પ્રવેશ કર્યો હતો.ત્યારે રૂમમાં એક કિશોરી પોતાના ડાબા હાથમાં ચપ્પુથી કાપાઓ મારી લોહી નિકળતી હાલતમાં એક ટેબલ પર ચડી છતના હુકમાં ઓઢણી બાંધી આત્મહત્યા કરવાની કોશિષ કરી રહી હતી.જોકે GRD જવાને તાત્કાલીક તેણીને ટેબલ પરથી હેમખેમ નીચે ઉતારી લીધી હતી.અને એજ સમયે સરપંચ પતિએ પણ રૂમનો દરવાજો તોડી અંદર આવી ગયા હતા. ત્યારે કિશોરી “મને વાંચેલુ કઈ યાદ રહેતુ નથી મારે મરી જવુ છે.” તેમ બોલતી હતી.ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે કિશોરીને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલમાં કિશોરીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

વાંસદા પોલીસ સ્ટાફના માણસોએ ફોન કોલની ગંભીરતાને ધ્યાને લઈને સમયસૂચકતાનો ઉપયોગ કરીને એક કિશોરીનો જીવ બચાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સરહાનીય કામગીરી બદલ વાંસદા પોલીસ સ્ટાફનાં માણસોને બીરદાવવામાં આવ્યા હતા.