સેલવાસ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ની મુલાકાતે હતા. જ્યાં તેઓએ સેલવાસના સાયલીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલા લાભાર્થી સંમેલનને સંબોધ્યું હતું. આ સંમેલનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજના ના લાભાર્થીઓ અને પ્રદેશના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જુઓ વિડીયો…
Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં ગૃહમંત્રીએ વિકસિત ભારત મોદી કી ગેરંટી અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઉજ્વલા યોજનાના લાભાર્થીઓને લાભો પણ એનાયત કર્યા હતા. આ પ્રસંગે સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલની સાથે ભાજપના પ્રદેશ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં પ્રદેશના લોકો અને લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ સંમેલનમાં સંપ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરની સૂચક હાજરી જોવા મળી હતી. કલાબેને આજે સ્ટેજ પર જઈ ગૃહ મંત્રી અમિત શાહનું પણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
પોતાના સંબોધનમાં ગૃહમંત્રી અમિત શાહએ અનેક મુદ્દે વિરોધ પક્ષોને આડે હાથ લીધા હતા. સાથે જ સંબોધન દરમિયાન અમિત સાહે ઉપસ્થિત લોકોને નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી હતી અને અમિત સાહે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની લોકસભા બેઠક પણ મોદીજીની જોલીમાં નાખી ભાજપને 400 પાર કરાવવા અપીલ પણ કરી હતી. આ પ્રસંગે અમિત શાહે ઇન્ડિયા ગઠબંધનને પરિવારવાદી ગઠબંધન ગણાવ્યું હતું અને એક તરફ દેશભક્તિથી ઓતપ્રોત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે અને ત્રીજી વખત પસંદ કરવા અને બીજી બાજુ પોતાના પરિવારજનોને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી બનાવવાના પ્રયાસ કરતા પરિવારવાદી ગઠબંધન વચ્ચે મોદીને પસંદ કરવા અપીલ કરી હતી. આમ અમિત શાહએ અનેક મુદ્દે ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહાર પણ કર્યા હતા.