વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ચારણવાડા ગામમા અંકલેશ્વર થી સાપુતારા ફરવા જતા ચાર મિત્રોની કાર પલ્ટી મારી જતા બે મિત્રોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બે ને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે અંકલેશ્વરથી ચાર મિત્રો પાર્થભાઇ વજુભાઇ ડોબરીયા તથા હર્ષિલભાઈ કાનજીભાઇ ઠુમ્મર અને વીકેનભાઇ રાકેશભાઇ ખાંટ, નીરજ પ્રકાશભાઈ ડોબરીયા સફેદ કલરની બ્રીઝા ગાડી નંબર- GJ-14 BA-4006 લઇને અંકલેશ્વરથી સાપુતારા ફરવા માટે જતા હતા ત્યારે રસ્તામાં વાંસદાથી વધઇ જતા રોડ પર ચારણવાડા ગામે ડુંગરી ફળીયામાં રોડ ઉપર પાર્થભાઇ પોતાના કબજાની બ્રીઝા ગાડી પુર ઝડપે હંકારતા ગાડી પર કાબુ ગુમાવી દેતા ગાડી ડીવાઇડરને પહેલા કટને અથડાઇ સામેના ડીવાઇડરના કટના ભાગે અથડાઇ જતા ગાડી પલટી ખવડાવી ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ચાલક પાર્થ વજુભાઇ ડોબરીયા તથા વીકેન રાકેશભાઇ ખાંટનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે મિત્રોને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વાંસદા પોલીસમથકે ફરિયાદ નોંધાવતા વાંસદા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.