વ્યારા: ગતરોજ મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો તેમજ શંકર ફળિયાના બેઘર પરિવારોના બાળકોએ ડિમોલેશન બાદ પડતી તકલીફો બાબતે જીલ્લા કલેકટર ને રજુઆત કરવા પહોંચ્યા હતા.બાળકોએ પોતાની અભિવ્યક્તિને ચિત્ર કલાથી વ્યક્ત કરી હતી. તેમજ ગુલાબ આપીને જીલ્લા કલેકટર ને જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ છે સાથે જ રસ્તો બંધ કરેલો હોય સ્કુલમાં જવામાં તકલીફ પડી રહી હોવાની તેમજ વરસાદમાં ડિમોલેશન બાદ રહેવામાં તકલીફ પડી રહી હોવાની રજૂઆત જીલ્લા કલેકટરને કહેવામાં આવ્યુ હતું.

સમગ્ર રજુઆત સમયે જીલ્લા કલેકટર મુજબ બાળકો રજુઆત કરવા આવ્યા તે તેમને સારું લાગ્યું નથી. આ બાબતે જીલ્લા કલેકટર તેમજ જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા વચ્ચે મિડિયા સમક્ષ ચર્ચા થઈ હતી જેમાં રોમેલ સુતરિયાએ કલેકટર ને જણાવ્યું હતું કે અત્યારે બાળકોની ઊપર દયા કે ચિંતા થતી હોય તેમના શિક્ષણની ચિંતા થતી હોય તો ડિમોલેશન સમયે કેમ ચિંતા થઈ નથી. આમ ચર્ચાના અંતે જીલ્લા કલેકટર દ્વારા શનિવાર સુધીનો સમય આપતા જણાવ્યું હતું કે દરેક સમસ્યાનું નિવારણ કરવામાં આવશે.

હવે જોવાનું તે રહે છે કે બેઘર પીડિત પરિવારો દ્વારા કલેકટર ને કરવામાં આવેલ રજુઆત બાબતે જીલ્લા કલેકટર તેમજ પ્રશાસન શું કાર્યવાહી કરશે કે શંકર ફળિયામા થયેલા અમાનવીય ડિમોલિશન બાદ બેઘર પરિવારો માટે એક આવાજ – એક મોર્ચા દ્વારા શરૂ કરેલ તેમજ તાપી જીલ્લાના જાગૃત આગેવાનો એડવોકેટ નિતિન પ્રધાન , અખિલ ચૌધરી , એડવોકેટ જીમી પટેલ ની આ પહેલ જેના ઉપર હવે સમગ્ર ગુજરાતના નાગરિકો ની તેમજ રાજકીય પક્ષો ની નજર છે તેનું શું પરિણામ આવશે તે સમય બતાવશે પરંતુ રોમેલ સુતરિયા ની હાજરી બાદ શંકર ફળિયા નો મુદ્દો દિવસે ને દિવસે જોર પકડી રહ્યો છે જેમાં આજે બેઘર પરિવારો ના બાળકો દ્વારા જીલ્લા કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં પહોંચતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં પોતાના હક અધિકાર માટે બાળકોની રજુઆત ચર્ચાનો વિષય બન્યો છે તેમજ દમનકારી ડિમોલેશનની આલોચના ચારેકોર થઈ રહી છે.