ઝઘડિયા: ધંધાકીય અદાવતમાં ઝઘડિયા GIDCમાં થયેલ જાહેરમાં ગોળીબાર અને વાહનોમાં તોડફોડની ઘટનાની રાજય સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. પોલીસે પણ GIDCમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે કડક પગલાં ભરી અત્યાર સુધીમાં 22 આરોપીઓને જેલમાં બંધ કરી દીધા છે.

અંકલેશ્વરના DYSP ચિરાગ દેસાઇએ આ ઘટના વિષે કહ્યું કે ગોળીબારની ઘટનામાં મુખ્ય આરોપી જયમીન પટેલ સહિત 22 આરોપીને જેલભેગા કરી દેવામાં આવ્યાં છે. આ તમામ આરોપી રીમાન્ડ પર હોવાથી વધુ નામો બહાર આવી શકે તેમ છે. આરોપીઓએ હરીફો ઉપર તમંચાથી ગોળીબાર કરવામાં આવ્યો છે. હૂમલામાં વપરાયેલી 5 કાર જપ્ત કરવામાં આવી છે. ગોળીબાર કરનારા આરોપીઓએ તેમણે જયમીન પટેલના કહેવાથી રજની વસાવા ઉપર ગોળીબાર કર્યો હોવાની કબુલાત કરી છે. હાલ તો આરોપીઓને હથિયારો કોણ પુરા પાડતું હતું તે દિશામાં તથા આરોપીઓ ગોળીબાર કર્યા બાદ કોને ત્યાં સંતાયા હતાં અને તેમને આશરો આપનારા કોણ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.

ઝઘડિયામાં બનેલી ઘટના બાદ વડોદરા રેંજના IG સંદિપસિંગે પણ સ્થળની મુલાકાત લીધી અન કાયદો હાથમાં લેનારાઓ સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે એવું ઉદ્યોગકારો સાથે બેઠક કરીને આશ્વાસન આપ્યું હતું.