ધરમપુર: આજરોજ ધરમપુરની બામટી માર્કેટમાં વધેલી કેરીની આવકને લઈ ભાવ ખૂબ જ નીચે ઉતારી ગયા છે પણ સિઝનના અંતિમ પડાવમાં હાફૂસ કેરીના ભાવ વધ્યા છે. સારી કેરીના ઘટેલા ભાવને લઈને હાલ આદિવાસી ખેડૂતોની ચિંતા વધી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ સિઝનની શરૂઆત તથા મધ્યમાં કેસર, રાજાપુરી, દશેરીના જોવા મળેલા સારા ભાવમાં 300થી 400 રૂપિયાનો સરેરાશ ઘટાડો નોંધાયો છે. આશ્રયજનક રીતે લંગડો કેરીનો ભાવ 250થી 350 રૂપિયા પ્રતિમણ રહ્યો છે. અને કેનિંગ કેસર રાજાપુરીના ભાવમાં સરેરાશ 300થી 400 રૂપિયાના ઘટાડા વચ્ચે હાફૂસના ભાવ વધ્યા છે. વેપારીઓનું કહેવું છે કે હાલમાં માર્કેટમાં દૈનિક 2500 થી 3000 ટન કેરીની આવક થાય છે.

દક્ષિણ ગુજરાતમાં હવે બિપોરજોય વાવાઝોડાની દહેશત છે ત્યારે આવનારા દિવસોમાં કેરીના ભાવ કેટલો વધે છે ? કે તળિયે બેસી જાય છે એની ચિંતામાં ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. 20-25 દિવસ હજુ કેરી માર્કેટમાં કેરી આવશે એવું વેપારીઓનું કહેવું છે.