સાગબારા: આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ માટે સાગબારા તાલુકાના જાવલી ગામે આવી રહ્યા છે. તેવામાં આવા સમયે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ શિક્ષકોની ભરતી અને જર્જરિત સ્કૂલોના નવીનીકરણનો મુદ્દો ઉચકતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને અગ્ર સચિવ સુધી લેખિત રજૂઆત કરી છે કે, આઝાદીના 75 વર્ષ વિતી ગયા અને સરકાર જયારે “આઝાદી કા અમૃત મહોત્સવ મનાવી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે પૂરતા શિક્ષકો અને જર્જરિત શાળાઓના ખુબજ ગંભીર પ્રશ્નો છે. તાત્કાલિક મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2003માં અહીંથી જ ” બેટી બચાવો બેટી પઢાઓ” ના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા પણ “ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત અભિયાન હાલમાં ચાલે છે, પરંતુ એમના પત્રવ્યવહાર સિવાય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જે ખુબજ ગંભીર બાબત છે. આજે પણ ડેડીયાપાડા સગાબારામાં પૂરતા શિક્ષકો નથી. અને કેટલીય શાળાઓ જર્જરિત છે. છતાં કોઈ કાર્યવાહી થતી નથી તો હવે આ સમસ્યા દૂર કરો. ભૂતકાળમાં અનેકવાર રજુઆતો કરવા છતા, કહેતા દુ:ખ થાય છે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, અંબાજીથી ઉમરગામ આદિવાસી વિસ્તારની જેમ મારા મત વિસ્તારમાં 27 જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. એક જ શિક્ષકે તમામ ધોરણના બાળકોના શિક્ષણ કાર્યની સાથે-સાથે બીજી ઈતર પ્રવૃતિઓ પણ કરવાની હોય છે. 54 જેટલી શાળાઓ જર્જરિત હાલતમાં છે. જેથી અહીં અભ્યાસ કરતા બાળકોને ભય હેઠળ અભ્યાસ કરવો પડે છે.











