ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આવધાની સરકારી પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ.પલ્લવી આર. પવારે ખેલમહાકુંભ અંતર્ગત ભાવનગર ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધામાં વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી જિલ્લાનું નામ રોશન કર્યું છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ ગત વર્ષે પણ પલ્લવીએ જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધાનું પ્રતિનિધિત્વ કરી દ્વિતીય ક્રમાંક હાંસલ કર્યો હતો. રાજ્ય સરકારે રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહન મળે તે હેતુસર શરૂ કરેલા ખેલ મહાકુંભ થકી અંતરિયાળ એવા આવધા વિસ્તારની શાળાની વિદ્યાથીર્નીને યોગ્ય પ્લેટફોર્મ મળતાં તેણી આજે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. શાળાના આચાર્યના જણાવ્યા અનુસાર યોગાસન પ્રત્યે પલ્લવીની રૂચિ નિહાળી શાળાના શિક્ષક સુનિલભાઇએ પલ્લવીને પૂરતું પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તેણીના યોગ નિહાળીને પ્રભાવિત થયેલા યોગાચાર્ય કિશોરભાઇ પટેલે જિલ્લાની સૌથી નાની વયની યોગ શિક્ષિકા બનાવવાનો સંકલ્પ કર્યો છે.
વર્તમાન શૈક્ષણિક વર્ષમાં દિપીકા જે. કુંવરે કીક બોકિસંગ બહેનો અંડર-૧૪ સ્પર્ધામાં હિતેશભાઇ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો. આ ઉપરાંત શાળાના અન્ય વિદ્યાર્થીઓ પણ રમતગમત ક્ષેત્રે જિલ્લા કક્ષા સુધીની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. આદિજાતિ વિસ્તારના બાળકોને રમતગમતમાં રૂચિ લેતા કરી તેમને રાષ્ટ્રકક્ષા સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો આચાર્યા પાયલ પટેલ તથા શાળા પરિવાર તરફથી કરવામાં આવી રહયા છે.











