ધરમપુર: સલામત સવારી એસ.ટી અમારીના દાવા કરતાં સરકારી એસટી બસમાં મુસાફરોની સુરક્ષાની પોલ ખોલતો વધુ એક બનાવ વલસાડમાં પ્રકાશમાં આવ્યો છે. આજે ધરમપુર વલસાડ વચ્ચે ખારવેલ પાસે એસટી બસનો ચાલુ બસે દરવાજો ખુલી જતા બસમાં મુસાફરી કરી રહેલો એક યુવક નીચે પટકાયો હતો..
જુઓ વિડીયો..
Decision Newsને મળેલી માહિતી મુજબ ચાલુ બસમાંથી નીચે પટકાતા યુવકને ગંભીર ઈજા થઈ હતી. બસને રોકાવી અને બસમાં મુસાફરી કરતા અન્ય મુસાફરો પણ નીચે ઉતરી અને યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે ધરમપુર અને વલસાડ વચ્ચે દોડતી એસટી બસમાં ચિક્કાર ભીડ હોય છે. આથી ક્ષમતા કરતા વધારે મુસાફરો મુસાફરી કરતા હોવાથી અનેક વખત અકસ્માતોના બનાવો પણ બને છે જોકે આજે બસ જ્યારે પૂર ઝડપે ધરમપુર થી વલસાડ તરફ આવી રહી હતી. એ વખતે જ અચાનક ખારવેલ નજીક બસનો દરવાજાનું લોક ખુલી ગયું હતું જેથી દરવાજે ઉભેલો યુવક દોડતી બસમાંથી નીચે પટકાયો હતો. નીચે પટકતા યુવકને ગંભીર ઇજા થઈ હતી. આથી મુસાફરી કરતા અન્ય મુસાફરોએ બૂમાબૂમ કરતા બસને થોભાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના પરથી એસટી વિભાગની બેદરકારી પણ સામે આવી રહી છે. ચાલુ બસે દરવાજાનું લોક ખુલતા બનેલી આ ઘટનાને કારણે બસમાં મુસાફરી કરતા અન્ય મુસાફરોમાં પણ રોષ વ્યાપ્યો હતો.

