ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના આદિવાસી યુવાઓ દ્વારા ડાંગના નિર્દોષ યુવકોને બેરહેમી માર મારી ન્યાયના કુદરતી સિદ્ધાંતો વિરુદ્ધ કામ કરનાર પોલિસકર્મી વિરુદ્ધ કડક પગલાં લેવા ગૃહ રાજ્યમંત્રીને ફરિયાદ કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ 7 જુલાઈ 2022 ના રોજ કચ્છમા દાડમના ખેતરોમાં મજૂરી કરી પોતાના વતન ડાંગમાં પરત આવવા માટે અમદાવાદના ગીતા મંદિર બસસ્ટેન્ડ પર બસની રાહ જોઇ રહેલા ડાંગના આઠ જેટલાં યુવાનોને પોલીસના જવાન અને બે સિક્યુરિટી ગાર્ડ દ્વારા એમની બેગમાંથી દાડમ કાપવાની કાતર મળી આવતા તમે દાઉદ ગેંગના માણસો છો,એમ કરીને ઢોરમાર મારી પોલિસ સ્ટેશને લઇ જઈ ત્યાંના સીસીટીવી કેમેરા બઁધ કરી ત્યાંપણ અમાનવીય રીતે માર મારી પોતાના મિત્રોને વિડિઓ કોલથી જુઓ હું દાઉદ ગેંગના માણસોને હું કેવો માર મારુ છું એ પ્રમાણે બડાઈ મારી વિડિઓ ઉતારેલ.અમાનવીય અસહ્ય મારથી કેટલાંક યુવાનોની તબિયત લથડતા આહવા સિવિલ હોસ્પિટલમા દાખલ કરવા પડેલ. આ ઘટનાથી આદિવાસી સમાજમા ઉગ્ર રોષ જોવા મળેલ. આ બાબતે આદિવાસી સમાજ દ્વારા ઠેર ઠેર ગૃહરાજ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી, જેના ભાગરૂપે ખેરગામના આદિવાસી યુવાઓ જેમાં ડો. નિરવ ભુલાભાઈ પટેલ, ડો કૃણાલ, મિન્ટેશ, કાર્તિક, કૃણાલ, મયુર દ્વારા ઘણી મોટી સંખ્યામાં લોકોની સહીઓ સાથેનું આવેદનપત્ર મામલતદાર કચેરીમાં આપી પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો.

આ ઘટનાના આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી કે જેથી ભવિષ્યમા કાયદાના રક્ષક કોઈપણ વર્દીધારી રાજપાઠમા આવી પોતાને કાયદાથી ઉપર સમજવાની કોશિશ નહીં કરે. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાન ડો. નિરવ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ આદિવાસીઓ વિરુદ્ધ વધતા જતા અત્યાચારો ખુબ જ ચિંતાજનક બાબત છે. અમારી માંગ છે કે આરોપી પોલિસ અને સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ વહેલામા વહેલી તકે ઉદાહરણીય ન્યાયોચિત કાર્યવાહી કરવામાં આવે અન્યથા આદિવાસી સમાજમાં એટલા ઉગ્ર રોષની લાગણી પ્રવર્તિ રહી છે કે આદિવાસી સમાજ રોડ પર ઉતરી આંદોલન કરતા પણ નહીં અચકાશે.