નવસારી: હાલમાં જ નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેશ પટેલ સાથે અન્ય આગેવાનોએ નવસારી કલેકટરને નવસારી જિલ્લાના તાલુકામાં અને ગામડામાં પૂરપીડિતોને તાત્કાલિક સહાય આપવા કલેકટરશ્નેરી આવેદનપત્ર આપ્યું છે.

નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના શૈલેશ પટેલ જણાવે છે કે આ રેલની અસર નવસારીની મોટાભાગની પ્રજાને થઈ છે. જેથી આ હોનારત અંગે પક્ષાપક્ષીથી ઉપર થઈ નવસારીના અનુભવી માણસોને મળી સમસ્યાના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હોતો તો લોકોને જાનમાલની હાનિથી બચાવી શકાયા હોત. અગાઉના કલેકટર સંધ્યા ભુલ્લરે જે જગ્યાએ પાણીના નિકાલની વ્યવસ્થા નહીં હોય તે જગ્યાએ બાંધકામની પરમિશન આપવી નહીં તેવો હુકમ કર્યો હતો, તેમ છતાં શહેરમાં બિલ્ડરોએ ગેરકાયદે બાંધકામો જે કાંસ અને ખાડી ઉપર કર્યા છે તેના કારણે પાણીનો નિકાલ થતો નથી

છેલ્લા 4-5 દિવસથી ઉપરવાસમાં અતિભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિ જોવા મળે છે. પૂરની સ્થિતિના કારણે લોકોના મૃત્યુ પણ થયા છે. મૃતકના પરિવારોને તાત્કાલિક સહાય ચૂકવાય, રેલના પાણી ચડતા હોઈ ત્યારે એની જાણ પણ સમગ્ર વિસ્તારમાં કરાતી ન હતી જેના લીધે નિચાણવાળા વિસ્તારમાં લોકોની માલ મિલકતને વ્યાપક નુકસાન થયું છે. રેલના કારણે ઘણા વિસ્તારોમાં વીજકાપ છે લોકો બે દિવસથી અંધારપટનો સામનો કરી રહ્યાં છે. નવસારી જિલ્લાના ઘણાં વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા થઈ છે,  નગરપાલિકા તરફથી રામજી મંદિરમાં જે ફૂડ પેકેટોની વ્યવસ્થા થઈ હતી પણ ફૂડ પેકેટ વિતરણમાં પણ પક્ષાપક્ષી કરવાથી અવ્યવસ્થા સર્જાઈ હતી.