મહુવા: છેલ્લા 24 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ પડતાં મહુવાના સાંબા અને દેડવાસન ગામમાં એક કાચું ઘર તૂટી પડયાની ઘટના બની હતી જો કે પરિવાર ઘર વિહોણું બન્યું પણ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નહોતી થઇ એ રાહત આપનારી વાત છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ હાલમાં પણ મહુવામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગતરોજ વરસાદી પાણીથી અનેક ગામોના નદી-નાળાં છલકાયાની સાથે અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો સર્જાયા હતા તેમાં ધોધમાર વરસાદને લીધે અંબિકા નદીને કાંઠે આવેલ સાંબા અને દેડવાસન ગામમાં એક-એક કાચું મકાન ધરાશાયી થયાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાથી પરિવારનું મકાન તૂટી પડતાં તેમના પર આભ તૂટી પડયાની સ્થિતિ સર્જાય હતી. જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર પણ ત્યાં પહોંચ્યું હતું. હાલમાં તેમને સલામત જગ્યાએ તંત્ર દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને યોગ્ય સર્વે કરી મામલતદારને અહેવાલ રજૂ કરી દેવામાં આવ્યો છે.