કપરાડા: આજે ઉપરવાસ કપરાડા અને ધરમપુર તાલુકામાં પણ મેઘરાજાએ થોડો વિરામ લેતા હવે તોફાની સ્વરૂપે વહી રહેલા નદી નાળાઓ પણ શાંત થયા છે.. જોકે ભારે વરસાદ વખતે નદી નાળાઓ ઉપર લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળેલા પાણી પણ હવે ઉતર્યા છે.. પાણી ઉતર્યા બાદ અંતરિયાળ વિસ્તારમાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે..
Decision News એ મેળવેલી માહિતી અનુસાર કપરાડા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં છેવાડાના વિસ્તારમાં આવેલ વાડીગામના મધ્યમાંથી પસાર થતી ખાડી પણ સતત ચાર દિવસ સુધી તોફાની સ્વરૂપે વહી રહી હતી. આથી ખાડી પર બનાવવામાં આવેલા પુલ પર પાણી ફરી વળ્યા હતા.. પાણી ઓસરતાં વાડી ગામમાં પણ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે.. ખાડીના પાણીએ નાના પુલનું ધોવાણ કર્યું છે.. પુલનો મોટો ભાગ ખાડીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે. જ્યારે આ ખાડી તોફાની સ્વરૂપે વહી રહી હતી એ વખતે પણ એક જીપ ચાલકે બેદરકારી ભરી રીતે જીવને જોખમમાં મૂકી અને આ ખાડી પસાર કરવા પ્રયાસ કર્યો હતો.. એ વખતે પાણીના વહેણની નીચે પુલ ધોવાઈ ગયો હોવાથી જીપ અધવચ્ચે જ ફસાઈ ગઈ હતી.. સદનસીબે જીપમાં સવાર ચાલકને અને એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. પાણી ઉતર્યા બાદ ચોકાવનારા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.. પુલ આખો ધોવાઈ ગયા છતાં વાહન વ્યવહાર અને લોકોની પણ અવરજવર પણ બંધ થઈ ગઈ છે. તેમ છતાં પોતાના જીવને પણ જોખમમાં મૂકી અને વાહનચાલકો અને રાહદારીઓ ખાડી નજીકથી પસાર થતા વહેણમાંથી પસાર થવું પડે છે..
આમ કપરાડા તાલુકામાં સતત એક અઠવાડિયા સુધી જામેલી વરસાદની હેલીને કારણે નદી નાળાઓ હવે શાંત થયા છે.. પરંતુ આ અંતરિયાળ પહાડી વિસ્તારમાં ચાર દિવસ સુધી મેઘરાજા બોલાવેલી સટાસટી બાદ હવે તબાહી જોવા મળે છે અનેક વિસ્તારોમાં નદીના મુખ્ય રસ્તાઓ અને નાના પુલનું ધોવાણ થતાં લોકોને મુશ્કેલી ભોગવી રહ્યા છે.











