ઉનાઈ: ગુજરતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે આ વરસાદ રાહતને બદલે આફત હોવાનું સાબિત થઈ રહ્યો છે. જિલ્લાના વાંસદામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર સવા આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈને તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
જુઓ વિડીયો..
સુરખાય થી યાત્રાધામ ઉનાઈ જતા માર્ગ પર પાણી ભરાય ગયા હતા. જેથી વાહનવ્યવહાર ખોરવાયો હતો. જેના કારણે ભક્તોને ભારી હાલાકી વેઠવી પડી હતી. તેમજ અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. લો લેવલ બ્રિજ પાસે અનેક ઘરોમાં પાણી ભરાયા. વાંસદા તાલુકામાં સવા આઠ ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. માત્ર 4 કલાકમાં જ 88 મિમી એટલે કે સાડા ત્રણ ઈંચ વરસાદ વરસતા નદી નાળા છલકાયા હતા. તેમજ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.
સુરખાય થી યાત્રાધામ ઉનાઈ સુધી જતો મુખ્ય માર્ગમાં પાણી ફરી વળ્યા હતા. જેથી નજીક આવેલા ઘરોમાં પાણી ભરાયા છે. તેમજ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાની નજીકના 5 ઘરોમાં પાણી ભરાતા પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આજે શયની એકાદશી હોવાથી ઉનાઈ માતાજી દર્શને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે, પરંતુ સુરખાય સર્કલથી ઉનાઈ માર્ગ પર પાણી ભરાવાને કારણે ભક્તોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. છેલ્લા ઘણા સમયથી પાણી ભરાવાની સમસ્યા અંગે વહીવટી તંત્રને જાણ કરી હોવા છતાં પણ કોઈ કામગીરી થઈ નથી.











