વાપી: આજરોજ મચ્છી માર્કેટથી કચિગામ તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલ એક બંગલામા કેરી પાડવા બોલાવેલ મજૂરને કરંટ લાગતા મોત નીપજ્યું છે. ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાપી પાલિકા વિસ્તારમાં આંબા પર કેરી બેડવા આવેલ મજૂરને વિજલાઈનનો કરંટ લાગતા મોતને ભેટ્યો છે. ઘટના અંગે મળતી વિગત મુજબ વાપી પાલિકા વિસ્તારમાં મચ્છી માર્કેટથી કચિગામ તરફ જતા માર્ગ પર સમીર પંચાલ નામના બંગલાના માલિકે પોતાના ઘરે વાવેલા આંબા પરની કેરી પાડવા માટે રાકેશ બાબુ હળપતિ નામના મજૂરને બોલાવ્યો હતો. કેરી પાડવા આવેલ રાકેશ સળિયો લઈ કેરી (બેડતો) પાડતો હતો ત્યારે આંબા પરથી પસાર થતી લાઈનને સળિયો અડી જતા કરંટ લાગ્યો હતો. અને રાકેશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે વાપી ટાઉન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતક યુવકના મૃતદેહને PM માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી મુજબ મૃતક રાકેશ હળપતિ મૂળ પારડી તાલુકાના ઉમરસાડી ગામનો વતની હતો. પરિવારમાં 2 સંતાનો અને પત્ની સાથે રહેતો હતો. લોકડાઉન બાદ કામધંધો નહિ મળતા તે પરિવાર સાથે 15 દિવસ પહેલા વાપીમાં કામની શોધમાં આવ્યો હતો. દસેક દિવસથી તે રેતી-કપચી ઊંચકવાનું મજૂરી કામ કરતો હતો. જેમાં રવિવારે રજા હોય સમીર પંચાલ અને હેમાબેન બ્યુટી પાર્લરવાળાના ઘરે આંબા પરની કેરી બેડવા આવ્યો હતો. કરંટ લાગવાને કારણે મૃત્યુ પામેલા રાકેશના પરિવાર પર આભ ફાટ્યું છે. ત્યારે આ દુઃખની ઘડીમાં બંગલાના મકાન માલિકે હાલ તો બનતી આર્થિક મદદ કરવાની ખાતરી છે. જો કે પરિવારનો મોભી છીનવાઈ જતા પત્ની અને પુત્રોના આક્રંદ થી વાતાવરણ ગમગીન બન્યું હતું.











