વાંસદા: હાલમાં થોડા સમય પહેલાં જ કેન્દ્રનાં સંસદના બજેટમાં દક્ષિણ ગુજરાતમાં રીવર લીંકનાં જોડાણ માટે મંજૂરી આપવામાં આવી હતી. જે રીવર લીંક પ્રોજેક્ટની વાત સામે આવતાની સાથે જ દક્ષિણ ગુજરાતનાં આદિવાસી સમાજમાં વિરોધનું વંટોળ દેખાય રહ્યું છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ જેવા જિલ્લાઓમાં ડેમ હટાવો અંતર્ગત આદિવાસી સમાજની અનેક સ્થળોએ બેઠકનો દોર પણ શરૂ થયો છે. પાર તાપી અને નર્મદા લીંક પ્રોજેક્ટ અંતર્ગત ડાંગ જિલ્લામાં પણ ચીકાર, દાબદર સહિત કેળવનમાં મહાકાય ડેમો બંધાશે તો 35થી વધુ ગામડા ડૂબાણમાં જશે. જેથી વિસ્થાપિત થવાનાં ભયનાં પગલે ડાંગ જિલ્લામાં પણ આ મહાકાય ડેમોનો વિરોધ થઈ રહ્યો છે.

ડેમોનાં વિરોધ અંગે આદિવાસી સંગઠનની વઘઇ તાલુકાનાં કાલીબેલમાં મિટીંગ પણ યોજાઈ હતી અને સરકાર સામે લડત આપવા ચર્ચા વિચારણા પણ થઈ હતી. આજે ડાંગના રંભાસ અને ધરમપુરના પૈખડ ગામ ખાતે બેઠક યોજાવાની છે. આદિવાસી લોકો જય જોહાર અને જય આદિવાસીનાં સૂત્ર સાથે સોશિયલ મીડિયામાં ડાંગ બચાવો અને નર્મદા પાર-તાપી લીંક હટાવોનું અભિયાન હાથ ધર્યુ છે.