ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બેઠક કેવડીયા ખાતે મળશે. 1 સપ્ટેમ્બર થી ત્રણ દિવસ માટે કેવડિયા કોલોની સ્ટેટયુ ઓફ યુનિટી ખાતે આવેલ ટેન્ટ સીટીમાં આ બેઠક મળશે. આ બેઠકમાં ભાજપના મંત્રીઓ અને તમામ ભાજપના પદાધિકારીઓ હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના કાર્યકાળમાં આ બીજી પ્રદેશ કારોબારીની બેઠક મળનાર છે. આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગેનું આયોજન તૈયાર કરાશે. ચૂંટણી અંગે પાટીલની કારોબારીમાં ચર્ચા થવાની સંભાવનાઓ દેખાઇ રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ બેઠકમાં હાજર રહેશે. અને, તેઓ હેલીકોપ્ટર મારફતે કેવડિયા પહોંચે તેવા અહેવાલો છે. કેવડિયાની મુલાકાત દરમિયાન તમામ આગેવાનો ઇલેક્ટ્રિક બસ મારફતે જ આવનજાવન કરી શકશે. આમ, કરવા પાછળનો હેતું કેવડિયામાં વાહનોના ટ્રાફિકની સમસ્યા ન રહે અને પ્રદુષણ પણ ન ફેલાય.
આ ઉપરાંત પ્રદેશ કારોબારીના અંતિમ દિવસ એટલે કે 3 સપ્ટેમ્બરે કારોબારીના સમાપન પહેલા રક્ષામંત્રી સહિતના કેન્દ્રીય મંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત તમામ સભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. આ બેઠક દરમિયાન સી.આર. પાટીલના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં વિશેષ એપ્લિકેશનો અને પ્રોગ્રામથી સજ્જ 750 મહત્વના કાર્યકરોને ટેબલેટ આપવામાં આવશે.
આ બેઠક દરમિયાન ભાજપના આગેવાનોને ચૂંટણીને લઇને સોશિયલ મીડિયા પર એક્ટિવ થવા આહવાન કરાશે. આ માટે તમામ આગેવાનોને ટેકનિકલ માહિતી પણ પુરી પાડવામાં આવશે. તથા, ભાજપના નેતાઓને લોકોની વચ્ચે રહીને કેવી રીતે ભાજપનો પ્રચાર-પ્રસાર કરવો તેની પણ માહિતી આપવામાં આવશે.