પાવાગઢ: યાત્રાધામ પાવાગઢ ખાતે 26 ઓગસ્ટની મોડી સાંજે રોપ-વેનાં પિલર નંબર- 4ની ગરગડીમાંથી કેબલ ઊતરી જતાં રોપ-વે સેવા અટકી ગઈ હતી. તેમજ ઉડનખટોલાની 10થી વધુ બોગીમાં સવાર કેટલાક યાત્રાળુઓ પણ અધવચ્ચે અટવાયા હતા.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ ઘટના બનતાં જ તાત્કાલિક કેબલને ફરીવાર ગરગડી પર ચડાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી દેવામાં આવ્યું હતું. અડધો કલાક ચાલેલી આ કામગીરી દરમિયાન ઉપર ફસાયેલા યાત્રીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. આ સમગ્ર બનાવમાં કોઈને પણ ઈજા કે જાનહાનિ થઈ નથી. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. અટવાયેલા યાત્રિકો માટે લાઉડ સ્પીકરમાં એનાઉન્સમેન્ટ કરાયું.

પાવાગઢ ખાતે રોપ-વેનું સંચાલન ઉષા બ્રેકો દ્વારા કરવામાં આવે છે. કેબલ ઉતરી જવાની ઘટના બનતાં જ સંચાલકો દ્વારા યાત્રિકોને સલામત રીતે નીચે ઉતારવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. સાથે જ જે લોકો ઉડનખટોલાની બોગીમાં ફસાયા હતાં તેઓ પેનિક ન કરે તે માટે લાઉડ સ્પીકરમાં વારંવાર એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે, યાત્રિઓગણ કૃપિયા ધ્યાન આપો, શાંતિ જાળવી રાખો, પેનિક ન થશો. ટૂંક સમયમાં જ રોપ-વેની સેવા શરૂ કરવામાં આવશે.